માલધારી યુવાનોની કોઠાસૂઝ:સાયલાના બે યુવાન બકરીના દૂધમાંથી ચીઝ બનાવે છે, 6 મહિનામાં 25 લાખનું ટર્નઓવર, 57 મહિલાને રોજગારી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે બે સુશિક્ષિત માલધારી યુવાન દ્વારા વિસ્તારમાં દિન-પ્રતિદિન નાના પશુધનની ઘટતી સંખ્યાને જોતાં બકરા-ઘેટાંનાં દૂધમાંથી ચીઝ બનાવવાનો વ્યવસાય શરૂ કરાયો છે. મોટી કંપનીઓ અને ડેરીઓમાં બનતી ચીઝ બનાવટો સામે આ બે સાહસિક માલધારી યુવાનો દ્વારા નાના પાયે હાથ બનાવટની ચીઝ (ઓર્ટિઝમ ચીઝ)બનાવીને એનું ચેન્નઇ, દિલ્હી અને અમદાવાદ જેવાં સ્થળો પર વેચાણ શરૂ કરાતાં તેમના સાહસને સારો પ્રતિભાવ સાંપડી રહ્યો છે. આ બંને શિક્ષિત યુવાને માત્ર 6 મહિનામાં જ ટર્નઓવર રૂ. 25 લાખને પાર પહોચાડ્યું છે અને 57 જેટલી માલધારી મહિલાઓને રોજગારી આપી છે.

 

FSSAIનું લાઇસન્સ મેળવીને ડેરી ઉદ્યોગનો પ્રારંભ કર્યો
સાયલાના થોરિયાળી ગામે રહેતા અર્પણ કલોત્રા તેમજ ચોટીલા તાલુકાના ભીમશી ઘાંઘળ નામના સુશિક્ષિત માલધારી યુવા મિત્રો દ્વારા સામાજિક તેમજ પશુપાલનક્ષેત્રે કામ કરતી સહજીવન સંસ્થાના માધ્યમથી ઉદ્યોગ સાહસિકતા માટેની તાલીમ અંતર્ગત આણંદ ખાતે આવેલી ડેરી સાયન્સ કોલેજમાં દૂધમાંથી વિવિધ બનાવટોની તાલીમ મેળવી હતી. માલધારી સમાજમાંથી આવતા આ બન્ને યુવાન દ્વારા તાલીમ મેળવ્યા બાદ સાયલા, મૂળી, ચોટીલા અને થાન વિસ્તારમાં ઘટી રહેલા નાનાં પશુધન, જેવાં કે બકરા અને ઘેટાંની સંખ્યા જોતાં એને બચાવવા તેમજ તેવા પશુપાલકોને મદદરૂપ થવાના શુભ આશયથી બકરીના દૂધમાંથી હાથ બનાવટની ચીઝ બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કરી એના માટેનું જરૂરી FSSAIનું લાઇસન્સ મેળવીને ડેરી ઉદ્યોગનો પ્રારંભ કરાયો હતો.

6 મહિનામાં જ ટર્નઓવર રૂ. 25 લાખને પાર
પાંચાળ ડેરી પ્રા.લિ.ના નામે બન્ને યુવાનેએ છથી સાત લાખના રોકાણ સાથે ચીઝ બનાવવાનો વ્યવસાય પ્રારંભ કરી માલધારીઓ પાસેથી બકરી અને ઘેટીનું દૂધ ડાયરેક્ટ લઇ એમાંથી વિવિધ પ્રકારની ચીઝ બનાવવાનું શરૂ કર્યું હતું. આશરે છ માસ પહેલાં ચાલુ કરાયેલા આ ચીઝ વ્યવસાયમાં તેમના દ્વારા પશુપાલકો પાસેથી દરરોજ 100 લિટર જેટલું દૂધ ખરીદ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે બકરીના દૂધમાં ઓછા ફેટ આવતા હોવાથી ડેરીમાં એના 25થી 27 રુપિયા જ અપાય છે, જ્યારે યુવાનો દ્વારા પ્રતિ લિટર પાંત્રીસ રૂપિયા અપાતાં લોકો સામેથી દૂધ વેચાણ કરવા પ્રેરાય છે અને આ બંને શિક્ષિત યુવાનોએ માત્ર 6 મહિનામાં જ ટર્નઓવર રૂ. 25 લાખને પાર પહોચાડ્યું છે.

સાત પ્રકારની ચીઝ બનાવાય છે
સાયલા-સુદામડા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં ચાલતા ચીઝ વ્યવસાયમાં 'ફ્રેશ' તેમજ 'એજ' પ્રકારની ચીઝ બનાવવામાં આવી રહી છે, જેમાં 'ફ્રેશ' પ્રકારની ચીઝમાં ફેટા, પેકેરીનો, સેફ તેમજ હલ્મી જાતની ચીઝ બને છે, જે તાજી ખાવામાં વપરાય છે, જ્યારે 'એજ' પ્રકારની ચીઝમાં ચેડાર, ટોમ અને બ્રી જાતની ચીઝ બનાવે છે, જેને લાંબા સમય સુધી રાખી શકાતાં ગમે ત્યારે ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

 

માસિક 150 કિલોનું વેચાણ
બકરીના દૂધમાંથી બનતી વિવિધ પ્રકારની ચીઝ બનાવટો હાલ પ્રતિ કિલો 2500થી ત્રણ હજાર રૂપિયાના ભાવથી તામિલનાડુના ચેન્નઇ અને દિલ્હી તેમજ અમદાવાદ જેવાં સ્થાનો પર દર મહિને આશરે દોઢસો કિલોનું વેચાણ થઇ રહ્યું હોવાનું અર્પણ કલોત્રાએ જણાવ્યું હતું.

બકરીના દૂધમાંથી ચોકલેટ, પેંડા અને માવો પણ બનાવ્યો
આ બંને સાહસિક માલધારી મિત્રોએ સૌપ્રથમ બકરીના દૂધમાંથી પાઉડર, ચોકલેટ, પેંડા, માવો અને ચીઝ બનાવ્યા હતા. પછી જાણવા મળ્યું કે ભારતમાં બકરીના દૂધમાંથી બનાવેલું ચીઝ બહારથી જ આવે છે. તો પછી આ બંને મિત્રોએ બકરીના દૂધમાંથી ચીઝ બનાવવાની શરૂઆત કરી હતી અને હાલ તેઓ બકરીના દૂધમાંથી સાત અલગ-અલગ પ્રકારનાં ચીઝ બનાવે છે.

 

બકરીનું દૂધ આરોગ્યની દૃષ્ટિએ પણ લાભદાયક છે: અર્પણ કલોત્રા
આ અંગે સાયલાના અર્પણ કલોત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બકરા અને ઘેટાંની પ્રજાતિનાં પશુઓ વનવગડામાં જ ચરતા વિવિધ વનસ્પતિઓને ખાતા હોઈ બકરીનું દૂધ આરોગ્યની દૃષ્ટિએ પણ લાભદાયક છે. યુવાનો દ્વારા હાથ બનાવટની ચીઝ માટે નાનાં સ્વદેશી મશીનો અને સ્ટવ થકી દૂધને જરૂરી તાપમાનમાં ગરમ કરી પછી એને મેળવી દે છે, એ જામી જાય ત્યાર બાદ ચીઝ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. હાલ 57 માલધારી મહિલા અમારી સાથે જોડાયેલી છે અને સમગ્ર પાંચાળ પંથકની માલધારી કોમ્યુનિટીને લાભ આપવાનું લક્ષ્ય છે. અત્યારે અમારા પાંચાળ પંથકની 57 માલધારી મહિલા અમારી સાથે જોડાયેલી છે, આથી અમે અમારી ડેરીનું નામ પણ પાંચાળ ડેરી રાખેલું છે અને આગામી દિવસોમાં સમગ્ર પાંચાળ પંથકની માલધારી કોમ્યુનિટીને લાભ આપવાનું લક્ષ્ય છે, જેથી કરીને દરેક માલધારીને રોજીરોટી મળી શકે અને તેઓ પણ સ્વમાનભેર જીવી શકે.

બકરી વર્ષમાં વર્ષમાં પાંચ મહિના જ દૂધ આપે: ભીમશી ઘાંઘળ
આ અંગે માલધારી યુવાન ભીમશી ઘાંઘળ જણાવે છે કે ગાય અને ભેંસો માટે અનેક સરકારી યોજનાઓ અમલી છે, જ્યારે બકરી અને ઘેંટી માટે ખૂબ કોઈ ખાસ સ્કીમ નથી. આથી બકરી અને ઘેંટી માટે સરકારી યોજનાનો સીધો લાભ માલધારીને મળે એના પર અમે હાલ કામ કરી રહ્યા છીએ. બીજું, બકરીના દૂધમાં હોર્મોન્સ કે ઇન્જેક્શન હોતા નથી અને એ વર્ષમાં પાંચ મહિના જ દૂધ આપે છે. 
 
 
 
 
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ