કેવી રીતે દેવો રબારી બન્યો દેવીદાસ....


ગુજરાતની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા પરબધામની આજે વાત કરવી છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુંઓ અહીં માથું ટેકવવા માટે આવે છે. આ જગ્યાનો ઈતિહાસ પણ એટલો જ રોચક અને વ્યક્તિમાં મરી પરવારેલા માનવમૂલ્યોને ફરી જીવતા કરી દે તેવો છે.
પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો.


કેવી રીતે દેવો રબારી બન્યો દેવીદાસ...

તેઓ ગાયો ચરાવતા હતા. એક દિવસ તેઓને બિલખાથી દયાળ ગામ જવાનું હતું. આ ગામમાં બ્રાહ્મણ ઘણા રહેતા હતા. બ્રાહ્મણો તે દિવસે શિવજીની પૂજા કરવા માટે મંદિરે ભેગા થયા હતા. ત્યારે મુખીએ બૂમ પાડીને ત્યા હાજર કેદાર નામના ગરીબ બ્રાહ્મણને કહ્યું કે તારી માતાને શરીરે રક્તપિત નિકળ્યું છે માટે તું પુનમના દિવસે તારી માતાને દરિયામાં નાંખી દે. આથી ગામમાં રક્તપિત આગળ ન વધે અને તારે ચાકરી પણ ન કરવી પડે. કેદારે કહ્યું ભલે મુખી. કેદારે માતાને બધી વાત કરી કે ગામના આગેવાન તેને દરિયામાં નાખી દેવાનું કહે છે. તેની માતાએ પણ કહ્યું કે જો ગામનું સારું થતું હોય તો હું તૈયાર છું. ગામવાળાએ બધાએ ભેગા મળી કેદારની માતાને દરિયામાં ફેંકી દીધી. બીજી બાજુ આ દેવો રબારી આ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, તેને સમગ્ર વાતની જાણ થતાં તે દરિયા તરફ દોડ્યો અને આ માજીને દરિયામાંથી બચાવી લીધા.  દેવો રબારીએ આ માજીને લઈ પરબ રહેવાનું નક્કી કર્યું અને ત્યાં  નકલંકપીરને ગુરુ ધારણ કરી તેની સેવા ચાકરી શરૂ કરી. એવું પણ કહેવાય છે કે તેઓએ સેવાની શરૂઆત છોડવડી ગામથી કરી હતી.


ધીમે ધીમે આ વાત વાયુવેગે બધે ફરતી થઈ કે પરબ સંત આવ્યા છે અને રક્તપિતના દર્દીઓની સેવા કરે છે. પછી તો ધીમે ધીમે જગ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું.  દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલું કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિતીયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા. 
દત્ત ભગવાને દેવીદાસની પરીક્ષા કરવાનું મન થયું આથી તેઓ રક્તપિતના રોગી બની પરબ આવ્યા. તેણે દેવીદાસને કહ્યું કે મને રક્તપિત સાથે ટીબી પણ છે માટે થૂંકવા માટે કાથરોટ પણ આપજો. દેવીદાસે ખડની પથારી કરી દત્ત ભગવાનને કાથરોટ પણ આપી. સવારે ઊઠીને દેવીદાસ જ્યારે દત્તના થૂંકની કાથરોટ  દૂર ફેંકવા માટે લઈ ગયા તો આ સમયે દત્તે કહ્યું કે ક્યાં જાઓ છો દેવીદાસ. દેવીદાસે કહ્યું કે આ કાથરોટને ફેંકવા માટે. તો દત્તે કહ્યું કે આતો રક્તપિતનું થૂંક કહેવાય તે જો નીચે કીડીઓ કે જીવજંતુ  ઉપર પડે તો તે પણ મરી જાય માટે તેને પી જાઓ. આ સાંભળી દેવીદાસ એકપળનો પણ વિચાર કર્યા વગર આ કાથરોટ પી ગયા. પછી દત્તે કહ્યું કે ધન્ય છે દેવીદાસ તને. દત્ત ભગવાનનો ધોકો આજે પણ પરબધામમાં હોવાનું કહેવાય છે. ધીમે ધીમે જગ્યાએ ભારે ખ્યાતી મેળવી.

અમરમા કેવી રીતે પરબની જગ્યાએ સેવામાં જોડાણા.....
 
અમરબાઈ આહીર જ્ઞાતિના હતા અને તેઓ વિસાવદરના શોભાવડલા ગામે રહેતા હતા. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું. રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરના દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિતિના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ. દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યા. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા. જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધી લીધી. ત્યાર પછી સમય જતા અમરમાએ પણ સમાધી લીધી હતી. 


પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે. જે જીવતા સમાધિ લેવાઈ છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.  ત્યાર પછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે. આજે પણ પરબધામમાં અખંડ સેવાના કામ અને અખંડ રસોડું ચાલે છે. અષાઢી બીજના દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન પણ થાય છે. દૂર દૂરથી શ્રદ્ધાળુંઓ માથું ટેકવવા માટે આવે છે.


પરબધામ કેવી રીતે જશો.....
 
પરબધામ જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા નજીક છે. જુનાગઢથી આસરે 40 કિલોમીટરનું અંતર છે. જ્યારે ભેંસાણથી 3 કિમીનું અંતર છે. જેતપુરથી જવાનું થાય તો 22 કિલોમીટરની આસપાસ થાય છે. પરબવાવડી ગામની બાજુમાં આવેલું છે પરબધામ. અહીં જવા માટે સરકારી અને ખાનગી બસો મળી રહે છે. દૂરથી આવનાર મુસાફરોની રહેવાની વ્યવસ્થા પરબધામની જગ્યામાં જ કરી આપવામાં આવે છે.
સાભાર : www.divyabhaskar.co.in

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ