અન્ય સમાજોને રબારી સમાજની અમૂલ્ય ભેટ : સમૂહ લગ્ન...

આગવો રાહ ચિતરનાર આપણો રબારી સમાજ છે. રબારી સમાજના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. અન્ય સમાજાએ આપણા સમાજ પાસેથી ઘણું શીખ્યું અને મેળવ્યું છે. દરેક સમાજોએ અપનાવેલ સમૂહ લગ્ન રબારી સમાજની જ દેન છે. અરે હવે તો મુસ્લિમ સમાજમાં સમૂહલગ્નનો થવા લાગ્યા છે.  
    અરે ભાઈ! આપણામાં એક કહેવત છે કે “હતું અને ગયું અને નહોતું એનું થયું” રબારી સમાજમાં એકતા, ભાઈચારો, એકબીજાની આબરૂ સાચવવી તથા અરસ પરસ એકબીજાનું ઢાંકણ થવાની ઉત્તમ ભાવના હતી. એક જ માંડવે ૧૦૦-૧૦૦ જાનો આવી હોય અને એવા માંડવે વિવાહ મહાલ્યા હોય તેવા મુછાળા એમના જમાનાના નરબંકા આપણા ઘૈઢિયા હજુ પણ આપણી વચ્ચે જ છે ને ? આવો હજુ પણ જુના જમાનાની જે સારી બાબતો હતી અને હાલ આધુનિક્તાની આંધળી દોટના કારણે જે વિસરાઈ ગઈ છે તેને પુનઃસ્થાપિત કરવા તેઓની પાસે પ્રેરણા લઈએ. હજુ પણ સમય છે. માવતરની સેવા એજ આપણો પરમ ધર્મ છે એવા ઉચ્ચ ધાર્મિક સંસ્કારો હજુ આપણા લોહીમાં છે. અને એટલે જ આપણા પૂર્વજાના પુણ્ય પ્રતાપે. આપણા સમાજમાં હજુ આવા હળાહળ કળિયુગમાં પણ બેટાના ઘરે જે તેઓનો લાડકો બેટો પોતાના માવતરની સેવા કરે છે.! આપણા માવતરની સેવા માટે બેટાનું ઘર (ઘરડા ઘર) સુમ સામ વગડા વચ્ચે નથી. આપણા માવતર તો તેમના સંતાનોની કિલ્લોલ અને કલરવ વચ્ચે ખુબ સુખમય અને આનંદમય જીવન પસાર કરે જ છે ને ! અને આથી જ અંતકાળે પણ તેઓ તેઓની લીલી-વાડી વચ્ચે તેઓના સંતાનોને તથા સગાસ્નેહીઓ રૂપ સમાજને પણ અંતરના આશિષ દેતા પરમપિતા પરમાત્માના દરબારમાં તેઓના શુભકર્મો સાથે જાય છે. આવા આપણા માવતરોએ તેમના પૂર્વજાની આપણા કરતાં પણ વિશેષ સેવા કરેલી જ છે. એટલે તો તેના પુણ્ય પ્રતાપે તેઓની સેવા માટેના આ સંસ્કારો આપણને તેઓના દ્વારા જ મળ્યા છે ને ? હજુ આપણે તે પુણ્ય પરવાર્યા નથી.

તસ્વીર પ્રતીકાત્મક છે.

સમુહ લગ્નના રિવાજથી આખો રબારી સમાજ એકબીજાથી પરિચિત રહેતો. એક બીજાના ખબર અંતર પૂછી સુખ-દુઃખમાં એક બીજાને મદદરૂપ થતો. અને વળી આખો સમાજ એક છત્ર નીચે ભેગો થવાથી જાણે ન્યાત ગંગાનો મેળો રચાયો હોય તેવું વાતાવરણ રહેતું. પવિત્ર વિહોતરના મેળાવડામાં ભગવાનની હાજરી હોય એ જ સ્વાભાવિક છે. આમ આખી વિહોતરની સાક્ષીએ, વિહોતરના આશીર્વાદ સાથે જે નવદંપતી સંસાર રૂપી રથમાં સવાર થતાં હોય તેના સંસારની બાગડોર ભગવાન સંભાળી લે ને ? અને એટલે જ ભોતિક સુખ સગવડો ઓછી હોવા છતાં ગાયો તથા માલઢોર લઈ છેક મારવાડ, મેવાડ, સિંધ અરે! છેક ગંગાની શેર (ગંગા યમુનાના મેદાનોના પ્રદેશો) સુધી આપણા પૂર્વજા પરદેશ ખેડતા. આમ ઘણી જ તકલીફોવાળું જીવન હોવા છતાં એક બીજાને અનુરૂપ થઈ સૌ આનંદથી સુખરૂપ રહેતા. માતાઓની તો વાત જ શું કરવી ? તેઓ તો કાંઈ પણ કામને આપણી આજની આધુનિક બહેનોની જેમ વેઠ થોડી ગણતી હતી ? અત્યારે મોટા ભાગે બહેનો વચ્ચે ઘરોમાં કામની બાબતે જ તો કંકાસ થતા હ ોય છે ને ? વહોલા પરોઢિયે ઉઠવું. પોતાના કુટુંબના તમામ સભ્યો માટે દરરોજ પાંચ શેર કે દશ શેર જરૂરિયાત મુજબ દળણું દળવું. અનાજ દળવાની સાથે જાણે ભગવાને પોતાના કુટુંબની સેવા માટે તેમને મોકો આપ્યો છે એમ માની પ્રભુ સ્મરણ રૂપ વહેલા પરોઢે ઘંટુલાના સુરે કોકિલ કંઠે પ્રભાતિયાંની મીઠાસનો રસ તો ઘંટીના આટામાં ભેળવી દેતી અને તે અમૃત રસ સભર અન્ન ખાઈ કુટુંબના તમામ સભ્યો ખૂબ જ હૃષ્ટપુષ્ટ, ખડતલ અને નીરોગી રહેતા. અનાજ દળ્યા બાદ માલ ઢોરને દોહવાં, દૂધ તાળે પાડવું. વલોણું કરવું, માથે હેલ મૂકી પાણી ભરી લાવવું અને આ કામ પરવારી પાછું શિરામણ (ઘેંશ-છાસ-દૂધ કે રાતના વધેલા રોટલાનો નાસ્તો) માટેની તૈયારી કરવી. ઘરના તમામ સભ્યોને શિરામણ આપી ગવાંતી પોતાનો માલ લઈ વગડો ખુંદવા જાય ત્યારબાદ ઘરના અન્ય તમામ બાકી કામ જેવાં કે ભરત, ગૂંથણ, સીવણ વગેરે તે આવે ત્યાં સુધી કરવા અને ફરી પાછું દોહવું, બાંધવું તથા દિવસના બાકી કામ પરવારી વાળું પાણી કરી બાઈઓ ભેગી થઈ “પરભુજી વનમાં ચારે ગાયો... જેણી વગાડે વાંસળી રે લોલ...” તાલ બધ્ધ રીતે બે-પાંચ ગાઉ સુધી વગર લાઉડ સ્પીકરે સંભળાય તેવા ઉંચા રબારવા સાદે ગાણા ગાય. સામવેદીય શાસ્ત્રીય સ્વરોમાં ગાણાં ગાતી હોય ત્યારે તો અનોખું વાતાવરણ સર્જાતું. ખરેખર હજુ આ સમાજમાં વૃદ્ધ કાકીઓ અને દાદીઓની હયાતી છે ત્યાં સુધી હાલ વગાતાં વરણાગી ગાણાંની જગ્યાએ આપણી  બહેનો જૂનાં શાસ્ત્રીય ગાણાં શીખી લે તો આ સમાજની પુરાતન સંસ્કૃતિને બચાવવાનો ખૂબ ઉપકાર થશે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્‌ ગીતાના દશમાં અધ્યાયના ૨૨ માં શ્લોકમાં જ કહ્યું છે કે,

“વેદાનાં સામવેદોસ્મ દેવાનામસ્મ ગસવઃ
ઈન્દ્રિયાણાં મનશ્વાસ્મ ભૂતાનામસ્મ ચેતના”

અર્થાત્‌ હે અર્જુન ! “વેદોમાં હું સામદેવ અર્થાત્‌ પૂર્ણ સમત્વ આપનાર ગાન સંગીત  છું. દેવોમાં હું તેમનો અધિપતિ ઈન્દ્ર છું અને ઈન્દ્રિયોમાં હું મન છુંઃ કારણ કે મનના નિગ્રહથી તો હું જાણી શકાઉ છું તથા પ્રાણીઓમાં ચેતના છું.” ભાઈઓ મારા વ્હાલા પ્રભુના પ્રેમિયો ! તમને તમારી પરંપરા જાણીને આશ્ચર્ય ઉપજે એવી એક વાત છે... ચારે વેદોના વિશ્વ પ્રસિધ્ધ આર્ષ ભાષ્યકાર પંડિત વિષ્ણુ પ્રસાદ સાંકળેશ્વર વેદોના ભાષ્ય વખતે રબારી સમાજની ખાસ નોંધ લઈ ખૂબ જ હર્ષથી લખે છે કે “આજે ભગવાન કૃષ્ણના અવતારને આશરે પાંચ હજાર વર્ષ પૂર્ણ થયા પછી પણ વેદોના બિજ સ્વરૂપ એવા સામવેદના ગાનને કંઈક અંશે જાળવી રાખ્યું હોય તો તે કહેવાતો અભણ, વગડે વગડે પોતાના પશુધન સાથે જીવનનો સંઘર્ષ ખેલતો અત્યંત ભોળો એવો રબારી સમાજ છે. આ સમાજ પોતાના પશુધન સાથે જ્યારે વગડા વચ્ચે ડેરો નાખી રાતના સમયે પોતાની ઈષ્ટદેવી માં... ને એક વિહૃળ બાળકની જેમ રેગડી કે સરજુ (મા ના વિયોગે જેમ કે બાળક આર્તનાદ કરે તેવુ રૂદન) દ્વારા પોતાની વ્હાર કરવા પોકારતો હોય, ત્યારે એ આ સમાજની સ્ત્રીઓ જ્યારે આનંદ કે શુભ અવસરો ગાણાં ગાતી હોય કે પછી મૃત્યુ જેવા અશુભ પ્રસંગે જ્યારે રૂદન કરતી હોય ત્યારે લાંબા લાંબા સ્વરી રબારી સિવાયની અન્ય જ્ઞાતિનો કોઈ માણસ ન સમજી શકે તેવા આલાપોમાં સામવેદના ગાન સ્વરો સચવાઈ રહ્યા છે.” રબારી સમાજ માટે આનાથી વિશેષ ગૌરવવંતી બાબત કઈ હોઈ શકે?

આપણા પૂર્વજા જે ખુમારીભર્યું ઉલ્લાસમય અને આપણને પણ ગૌરવ ઉપજે તેવું જીવન જીવી ગયા તેના મુળમાં આપણી જુની લગ્ન સંસ્કૃતિ હતી. જેને આખી વિહોતરના આશીર્વાદ હતા. વિહોતર વોઇસ મેગેઝીન આપ સૌ સમાજ બંધુ ઓ ને વિનંતી કરે છે કે આવો ! જ્યારે આપણા જુના રીવાજના ચીલે આજના અન્ય પ્રગતિશીલ સમાજા ચાલવા માંડ્યા છે. ત્યારે આપણે આપણા પૂર્વજાનો તે ચીલો ચાલુ રાખી તેઓનું સાચા અર્થમાં તર્પણ કરીએ. આ સમાજના શ્રેષ્ઠિઓ પોતાની દિકરીઓને આવા સમૂહ લગ્નોમાં જ પરણાવી, પોતે શ્રેષ્ઠ હોઈ, સમાજમાં ઉદાહરણ રૂપ બને. ઈશ્વરકૃપા એ તેમની પાસે વધારે ધન હોય તો આવા સમૂહલગ્ન યોજનાર તે સ્થળોએ સમૂહલગ્ન રૂપી યજ્ઞોનું આયોજન કરીએ અને તેમાં આપણી સેવાની આહુતી આપીએ...

www.vihotarvoice.in

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. સાચી વાત, આજે ગણા એવા લોકો છે જેમને સગવડ નથી પણ દેખાડો કરવાને કારણે સમૂહ લગ્નમાં મેરેજ નથી કરતા, અને ઘણીવાર છોકરાવાળા પણ એ માટે તૈય્યાર નથી થતા, લગ્નના ખર્ચને બદલે છોકરીને ભણવામાં ખર્ચ કરવો જોઈએ મેરેજ તો સમૂહ લગ્નમાં જ કરાય.

    જવાબ આપોકાઢી નાખો