ગોધરામાં ગાયોને કતલખાને લઈ જતી અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસો પર પથ્થરમારો કરાયો


ગોધરામાં મોટી સંખ્યામાં ગાયોને કથિતપણે કતલખાને લઈ જવાતી હતી ત્યારે એમને રોકવાનો પ્રયાસ કરનાર એક પોલીસ ટૂકડી પર આજે સવારે 100 જેટલા લોકોના એક ટોળાએ હુમલો કર્યો હતો.

ટોળાના હુમલા બાદ હુમલાખોરોને વિખેરવા માટે પોલીસોએ અશ્રુવાયુના 18 શેલ્સ ફોડ્યા હતા.
ગોધરાના નાયબ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ વી.કે. નાઈએ જણાવ્યું હતું કે, ગાયોને જ્યાં રાખવામાં આવી હતી એ મેદાન ખાતે પોલીસ ટૂકડી પહોંચી ત્યારે ટોળાએ એમની પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસોએ અશ્રુવાયુના 18 શેલ્સ ફોડ્યા હતા. એમાં કોઈને ઈજા થઈ નહોતી.

ગાયોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની બાતમી મળ્યા બાદ પોલીસોએ પગલું ભર્યું હતું.
મેદાન સ્થળે પહોંચ્યા બાદ પોલીસોએ જોયું તો ગાયોને મોટી સંખ્યામાં ત્યાં બાંધી રાખવામાં આવી હતી. તેઓ જ્યારે ગાયોને છોડવાનો અને એમના તાબામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એમની પર હુમલો કરવામાં આવ્યો હતો.
અશ્રુવાયુ છોડીને ટોળાને ભગાડી દીધા બાદ પોલીસોએ 49 ગાયોને ઘટનાસ્થળેથી ઉગારીને ગૌશાળામાં લઈ ગયા હતા.
આ બનાવના સંબંધમાં એફઆઈઆર નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ગૌવંશહત્યા પર પ્રતિબંધ છે. આ કાયદાનો ભંગ કરનારને આજીવન કેદની સજા અને રૂ. પાંચ લાખના દંડની જોગવાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ