નગર તેરવાડાની ચેહર માં નો ઇતિહાસ "પ્રાગટ્ય અને પરચા" Chehar Ma No Itihas


નગર તેરવાડાની ચેહર માં નો ઇતિહાસ "પ્રાગટ્ય અને પરચા" Chehar Ma No Itihas

પવિત્ર ભારત ભૂમિમાં અનેક તીર્થધામો, વિહારધામો, સૌંદર્ય ધામો આવેલાં છે. કુદરતે અહીં છુટા હાથે નૈસર્ગિક સૌદર્યની લ્હાણી કરી છે. ડગલેને પગલે મંદિરો જોવા મળે છે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈજી કહે છે “યહાં કે કંકર કંકર હમારે લીયે શંકર હૈં” પર્વતો અને ડુંગરોની ટેકરીયો પર કે રણમાં આવેલ બેટ પર કોઈ દેવ-દેવીનાં બેસણાં હોય છે. લોકો શ્રદ્ધાના તાંતણે સાવ ગરીબાવસ્થા માં આનંદથી જિંદગી ગુજારે છે. 

મહાનગરોમાં ભણેલા-ગણેલા અને ગ્રામ્યપ્રદેશોનાં સીધાં-સાદાં ભોળાં માનવીઓના જીવનમાં જયારે દુઃખ આવી પડે છે ત્યારે તે હમેશાં કોઈ દેવી કે દેવતાનું સ્મરણ કરે છે, એની શ્રદ્ધા કોઈ દેવમાં સ્થિર થાય છે. કુટુંબ પર કોઈ આર્થિક મુશ્કેલી આવી પડે છે ત્યારે માનવી ભગવાનને યાદ કરે છે. ઘરમાં કોઈ સખત બીમાર પડી જાય ત્યારે ઘરનાં લોકો કોઈ માનતા માને છે.આ એક સહજક્રમ છે. વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજુ માનવીમાંથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં ઘટાડો થયો નથી, બલ્કે એમાં વધારો થયો છે. માનવીના જીવનમાં જયારે હતાશા ફરી વળે છે ત્યારે તે દેવને શરણે જાય છે.માનવી શ્રદ્ધાના નાજુક તાંતણે ધર્મ સાથે જોડાયેલો જોવા મળે છે. સુજલામ સૂફલામ એવી ગુર્જરધરા પર પ્રભુની શ્રદ્ધાના પ્રતિકરૂપ અનેક દેવદેવીઓનાં સ્થાનકો, મંદિરો આવેલાં છે
      ગુજરાતની પવિત્ર ભૂમિનો એવો કોઈ જિલ્લો,તાલુકો ને ગામ નથી કે જયાં નાનું કે મોટું મંદિર ન હોય. એવા એક પવિત્ર સ્થાનક નગર તેરવાડાના ગંગાજળિયા કુવાની મા કેશર ભવાની "ચેહર મા" ના પ્રાગટ્યની વાત કરવી છે.

        
 આસરે એક હજાર વર્ષ પહેલાં પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ ‘હલાડી' નામે દેશી રજવાડું હતુ. આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ કરતા હતા. તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા.શેખાવતસિંહ રાઠોડનાં લગ્ન કર્યાને વર્ષો વિતી ગયાં હોવા છતાં પણ તેમના ઘેર પારણું બંધાણું નહિં દરબાર શેખાવતસિંહે શેર માટીની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યાં પણ તેમની આ ખોટ પુરી થઈ નહિં. સંતાનપ્રાપ્તિની વાંછના કરતા દરબાર ને એક દિવસ એક સિદ્ધ મહાત્માથી ભેટો થયો. સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી "મહારાજ બીજુ તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે."
        સંતો તો જગતના દુઃખનો ઉદ્ધાર કરવા જ જગતમાં અવતર્યા છે. મહાત્મા એ દરબાર શેખાવતસિંહને ચામુડા માતાની પૂનમ ભરવા અને ચામુડા માતાની આરાધના કરવા કહ્યુ. શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતાજીની પૂજા-આરાધના કરવા લાગ્યા. વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહિં. શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજી એ સંકેત આપ્યો.અને જણાવ્યું ; “હે રાજન, તમારા રાજ દરબારમાં કેસુડાનું વૃક્ષ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજો એ જગ્યાએ હું તમને મળીશ.”

આ પણ વાંચો મેલડી મા નો ઇતિહાસ

    સ્વપ્નમાં થયેલી વાતથી ખુશ થતાં દરબારે ઠકરાંણાંને વાત કરી કે આપણે ત્યાં મા ચામુંડા સાક્ષાત અવતાર ધારણ કરશે. તેમણે માતાજીના આદેશ પ્રમાણે ઘોડિયું રાજ દરબારમાં કેસુડાના વૃક્ષ નીચે બંધાવ્યું હતું. થોડા સમયમાં સપનાની વાત સાચી પડી. શેખાવતસિંહની રાણીને રાણવાસમાં બે દીકરીઓ નો જન્મ થયો એજ સમયે કેસુડાના વૃક્ષ નીચેના ઘોડિયામાં પણ એક નાની બાળકી હિંચતી જોવા મળી.શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. તે દિ હલાડીના સીમાડા ખુશીના વાયરે હરખે ચડ્‌યા હતા.દરબારના આંગણે આનંદનાં મોજાં ઉછળતાં હતાં.મીઠાં વધામણાં સાથે મીઠાઈ થી મોંઢાં મીઠાં થતાં હતાં. એ પવિત્ર દિવસ હતો મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમી. શેખાવતસિંહને ત્યાં દીકરીઓનો જન્મ થયો, એક ગંગાબા,બીજાં સોનબા અને સ્વયંભૂ કેસુડાના વૃક્ષ નીચે મળ્યાં તે ચેહુબા. ચેહરબાનું મૂળનામ ચેહુબા હતુ પછી થી કેસુડા જેવા કેસરી વર્ણનાં હોવાથી કેસરબા એવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું.
       કેસરબા શૈશવકાળથી સંસ્કારી અને બુદ્ધિમાન. દરેકને માન પ્રેમ આપે.સદૈવ હસ્તા ચહેરે દેખાય.વાણી એવી નમ્ર કે સાંભળતાં જ હેત જાગે.ચેહરબા એટલે સંસ્કાર,વ્યવહાર અને નિર્મળ પ્રેમનું ખળખળ વહેતુ ઝરણું. કેસરબા એટલે ક્ષમા અને સમર્પિત ભાવનાની કરુણામૂર્તિ.

    ચેહુબા જુવાન થયા એટલે સૌંદર્ય અપરંપાર હતું રૂપ-રૂપનો અંબાર ચેહરબા સાથે ગંગાબા અને સોનબાના લગ્નની ચિંતા કરતા પિતાજીને ચેહુબાએ જણાવ્યું હતું કે પિતાજી આપ આ સંસારની મોહ માયામાં અમને ન ઉતારશો. દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન કરાવવાની અને આંગણું પવિત્ર કરવાની ઈચ્છા હોય જ છે. ચેહુબાના લગ્ન વઢિયાર અને કાંકરેજના સિમાડે આવેલા નગર તેરવાડામાં વાઘેલા વંશના યુવાન સાથે કરવામાં આવ્યા હતા.નગર તેરવાડામાં વાઘેલાઓની સંપતિનો પાર નહતો પણ ચેહુબા સાવ સાદાં અને સરળ કોઈ એવુ ન કહે કે આ બાઈ રાજની હશે.ચેહુબા સદગુણી અને આદર્શ નારી રત્ન હતાં.પણ સમયની બલિહારી છે લગ્ન થયા કે તરત તેમના પતિનું મૃત્યુ થયું.દરબાર ગઢમાં તેમના પતિના મૃત્યુંનું કારણ ચેહુબાને માનવા લાગ્યા.પણ પતિ ભક્તિ તેમના હૈયે હતી.પ્રભુ ધ્યાનમાં પરોવાયેલાં રહેતાં.વિશાળ મહેલમાં નોકરચાકરો હતા.પરંતુ દરેક કામ જાતે કરી લેતાં,ધર્માનુષ્ઠાનમાં તેઓ વિશેષ રુચિ ધરાવતાં ભક્તિ એમનું પ્રથમ કર્તવ્ય હતું.શરીર લાવણ્ય અને માધુર્ય જોતાં એમનું દર્શન અદકેરુ બની રહેતું. દેવી જેવું તેમનું રૂપ જોઈને લોકો અંજાઈ જતા.જોગાનું જોગ એ સમયમાં નગર તેરવાડાથી બહાર અરણ્ય વિસ્તારમાં નિલકંઠ મહાદેવનું મંદિર હતું આ સ્વયંભૂ મહાદેવના મંદિરે નવનાથથી પણ પર સિદ્ધપુરૂષ સંન્યાસી યોગી ઓગડનાથ બાવાજી ત્યાં આવ્યા.ઓગડનાથજી એટલે સાક્ષાત શિવનો અવતાર અખંડ ભારતમાં ભ્રમણા કરી હિંગળાજ માતાજીની ઉપાસના કરતા હતા.પીરાણામાં પીરાઈનો વાવટો ફરકાવનાર, સિદ્ધપુરની કાશીથી પણ પવિત્ર ભૂમિમાં સિદ્ધત્વ પ્રાપ્ત કરી પૂર્ણ સિદ્ધપૂરૂષ ઓગડનાથ બાપજીએ ઊંચ્ચાણવાળી ધોળાવાળી ધરતીના વિસ્તાર એટલે 'થળી' માં આવીને આશ્રમની સ્થાપના કરી હતી ત્યાં નિલકંઠ મહાદેવના મંદિરે ભક્તિનાં ઓજસ પાથરવા લાગ્યા.ચેહુબા પણ આ સાધુની સેવા-પૂજા કરવા જતાં.ઓગડનાથની ર્દષ્ટિમાંથી ચુંબકીય તેજપુંજની હેલી વરસતી.એમની નમ્ર બોલી,સુલભ બોધ વચનો,પ્રેમની અમીટ સરવાણી વચનોથી સૌ અચંબો પામતા.તેમની મેઘાવી પ્રતિભા વિશિષ્ટ છાપ ઉપસાવતી.
             પ્રભુ શિવ અને ઓગડનાથની પૂજા કરતી વખતે ચેહુબા ખોવાઈ જતાં જાણે કે ગાઢ ગહન સમાધિ ન લાગી ગઈ હોય...! એમને પ્રભુ ભક્તિમાં મગ્ન બનેલાં જોઈને કોઈ ખલેલ પાડતું નહિં.એમના ભજન કાર્યમાં સૌ સાથ આપતાં.
          ગામની અમૂક અભાગણ બાઈઓ તેમના નામે જાત-જાતની વાતો કરતી. ચેહુબા હમેશાં ભજન ગાતા રહેને ગવડાવતાં રહે.નાનાને માન આપે. દુઃખ પડે તોયે હસ્તાં-હસ્તાં વેઠી લે ભીતરની વેદનાનો અન્યને અહેસાસ થવા દે નહી.શિવ પૂજા વખતે સ્તવનો ગાતાં ત્યારે ભક્તગણો અને આસ્થાળુઓ અચંબામાં પડી જતાં સાક્ષાત શક્તિનો અવતાર હોય તેવું સ્વરૂપ જોવા મળતું. ભજનનો સૂર મિલાવતાં જાય.અદભુત અને દિવ્ય વાતાવરણ પથરાઈ જતું.

     એ સદાચારી,ભક્તિ પરાયણ અને હેતાળ વિદુષી માતાનું હેત ત્યારે સૌના હૈયે હેતની હેલી વરસાવતું વસ્તીમાં આનંદના ગુલાલ ઉડાડતું.ખોરડે-ખોરડે જાણે દીવા પ્રગટતા.
   સત્યના તો પારખાં જ થાય. ચેહુબાને તો કયાં ?સિમાડાઓમાં જ ઓજસ પાથરવાં હતાં ! એમને તો સમગ્ર દેશમાં શક્તિનો સંચાર કરવો હતો. કાળક્રમે વાઘેલાઓના એક ભાટીએ રાજની સ્ત્રી કેસરબાને આવા સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારોની કાન ભંભેરણી કરી અને સારાં-ખોટાં વચનો કહી ઘણા આરોપો નાખ્યા "નગર આખામાં આપની અપકીર્તી થાય છે." આવાં કટુવચનો એ ભક્તિમય વાતાવરણમાં દ્રેષ અને શંકા-કુશંકાએ સ્થાન લીધું.શક્તિને પોત પ્રગટાવવાનો સમય પાકી ગયો.દરબારી માણસો એ ભેગા થઈ ચેહુબાને જણાવ્યુ ; "આપ રાજની આબરુ ને લાંછન લગાડતાં ત્યાં બાવાના આશ્રમે જવાનું બંધ કરશો. પણ આતો શક્તિનો અવતાર... સાક્ષાત ચામુંડાનો અવતાર...!

       બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેચી ગાયનું દુધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી ગયાં. આજ્ઞાનું ઉલ્લંઘન જાણી  ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયોએ  યુક્તિ રચી કે ગામની વાવમાં ફેંકી દેવા.આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગડનાથજી સમાઘિમાં લીન હતા.તો માણસો ચેહુબાને બન્ને બાજુથી બન્ને હાથે પક્ડીને આશ્રમની આગળ આવેલ વાવમાં ફેંકી દીધાં....! ફેંકીને આવેલ વાઘેલા પરિવારના યુવાનોને વળતા આશ્રમ માં આવતા જોઈને મહાત્મા ઓગડનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને થળીમાં આવેલ મીઠાંજાળાં(ઢુલી) ના ગોડાં(ઝાડી)ને ઓળંગી ને એક જગ્યાએ કુંમકુંમના પગલાં પડયા રહ્યાં ને અન્તર્ધાન થઈ ગયા.હાલે પણ ત્યાં ઓગડનાથનાં પગલાં જોવા મળે છે. એ દિવસ હતો અષાઢ મહિનાની અમાસનો એટલે કે 'દિવાસા' નો દિવસ આ દિવસે હાલ પણ 'ઓગડનો મેળો' ભરાય છે.

આ પણ વાંચો : કેવી રીતે દેવો રબારી બન્યો દેવીદાસ....

      ચેહુબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જયારે ઘરે આવીને જુએ છે તો ચેહુબા પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે.ક્રોઘથી જવાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી. ક્રોપાયમાન ચેહુબા ત્યાંથી ઊભા થઈ ને નિકળ્યા ને વાઘેલા પરિવારને શાર્પ આપતા ગયા કે "તમારા નગરનું ઝગર થશે, દરબારોનું છે તે તરગાળાનું રાજ થશે." આમ, ક્રોપાયમાન સ્વરૂપ સાથે રાજ દરબારમાંથી નિકળ્યા કહેતા ગયા ; 'તમે મને જેમાં નાખવા માગતા હતા તેમાં જ જાઉં છું આવું કહી નગરના મહેલની બહાર નિકળી ગયા.દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જયારે ગરકાવ થતાં.એ સમયે કુવામાં ઉતરતાં હતા ત્યારે નગરના રાજા મોતીશા વાધેલા આવીને કરગરવા લાગ્યા; ''અમો પામર માનવીઓ આપને ઓળખી શક્યા નહિં...મા ! આપતો દેવી છો , અમારા ઉપર કૃપા ર્દષ્ટિ કરો." દરબારના દયામણાં વચનો સાંભળી એમને માફ તો ન કર્યા પણ ઓગળનાથની ઉપાસના કરવાનું કહયું.ઓગડનાથ મહાત્માની ઉપાસના કરતાં વાઘેલાઓને "જયાં દિવો દેખાય ત્યાં નગર વસાવજો" એવો સંકેત થયો.વાઘેલાઓએ 'દિવા' પરથી 'દિયોદર' વસાવ્યું.જયાં હાલ પણ વાઘેલા વંશના રાજપુત-દરબારો વસે છે. માતાજી જે સમયે થોડો સમય થોભ્યા એ સમયે દરબારની નજરમાં ર્દશ્ય આવ્યુ તે ર્દશ્યને ચિત્રકાર પાસે ફોટો બનાવડાવ્યો એ અડઘી તસ્વીર જ છે.


   
    વર્ષોના વાણા વહી ગયા પછી હાલે નગર તેરવાડામાં ચેહરબાઈના બહેન ગંગાબાના નામનો ગંગાજળિયો કુવો,સોનબાના નામનું સોનેરી તળાવ, નિલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધયોગી ઓગડનાથના પગલાં થળીમાં જોવા મળે છે.હાલે પણ ત્યાં થળીમાં "ઓગડનાથની જાગીર"નો કિલ્લો જોવા મળે છે.ચેહર માતાજીની કૃપાથી ત્યાંના પુજારી તરીકે ગામના જ બે વર્ષની વયે જેને વાલનું દર્દ હતું માતાજીની કૃપાથી દુર થતાં બ્રહ્મચારી નટુભાઈ પૂજારી તરીકે પૂજાઅર્ચના કરે છે. ભુવાજી ગામના ઠાકોર ઉદાભાઈ મફાભાઈ માતાજીની સેવા-પૂજા ને ભાવીભક્તોને આશીર્વાદ આપે છે.પુજારીના જણાવ્યા મુજબ ગંગાજળિયા કુંવામાં જયાં ચેહરમા એ જળમાં સંચાર કર્યો હતો તે ગંગાજળિયા કુવામાં મા ચેહર સાક્ષાત નાગણીના રૂપે દર્શન આપે છે.હાલ આવા કુડા કળયુગમાં પણ કુવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે સાતકલરનું જોવા મળે છે,જો કોઈ ભાવિક શંકા કરેને કુવામાં ઉતરે તો કુવામાં ચારેબાજુ રંગબેરંગી રોશની થતી હોય તેવો આભાસ જોવા મળે છે.દર પૂનમના દિવસે પ્રસાદ હોય છે.ચૈત્ર માસની આઠમના દિવસે માતાજીની જાતર થાય છે.સમગ્ર નગર તેરવાડા નવેનવ દિવસ માતાજીના નવલા નોરતાની ઉજવણી કરે છે. "મા ચેહર દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી બેહાથ જોડી પ્રાર્થના....
                                - રાઘવ વઢિયારી(રઘુભાઇ રબારી-કોલાપુર)


તમારા ગામ કે આસપાસ ના કોઈ મંદિર કે માતાજીના ઇતિહાસ વિશેનું લખાણ કે  જાણકારી હોય તો અમને મોકલી આપવા વિનંતી.

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ