પાલજ ખાતે સિકોતર માતાજીનો ૧૪મો પાટોત્સવ ધામધુમથી ઉજવાયો


ગાંધીનગર જીલ્લાના પાલજ ગામે કુવાસીના ટહુકાની સિકોતર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ૧૪મી વર્ષગાંઠે નિમિત્તે માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં તા.૨૬ એપ્રિલના રોજ કચ્છી કોયલ એવા ગીતાબેન રબારીના ગરબા તેમજ તા.૨૭ એપ્રિલના રોજ સવારે માતાજીનું હવન તેમજ રાત્રે જાતર(દેરાસરૂ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માતાજીના ભાવિભક્તોએ દર્શન તેમજ માતાજીના પ્રસાદનો લ્હાવો લીધો હતો.


સિકોતર માતાજીના ભુવાજી શ્રી માલજીભાઈ અરજણભાઈ રબારીએ સૌ ભક્તોને આવકાર્યા હતા. માતાજીના આ પ્રસંગને સફળ બનાવવા પાલજ રબારી સમાજ તેમજ માતાજીના સેવકોએ ખડેપગે રહી મહેનત કરી હતી.
વર્ષો પહેલાં કાંજ-કાતરોડી ગામથી સિકોતર માતાજી ચેહરબાઈ નામના એક કુવાસીના ગવાળામાં પાલજ આવ્યા હતા તેથી કુવાસીના ટહુકાની સિકોતર તરીકે આ મંદિર જાણીતું થયું છે. આજે પણ કોઈ કુવાસી જ્યારે માતાજીને પોકાર કરે ત્યારે સિકોતર માં એના દુઃખ દુર કરે છે. શેર માટીની ખોટ હોય એને માતાજીના મંદિરે પારણાંંની બાધા રાખવાથી માતાજી મનોકામના પુર્ણ કરે છે. માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બાધા પેટે ચડાવેલા પારણાં એ વાતની સાક્ષી પુરે છે. શરીરે કોડ(સફેદ દાગ) હોય તો સિકોતર માતાને એક કિલો મીઠું ચડાવવાની માનતા રાખવાથી પણ એ દાગ મટી જાય છે. સિકોતર માતાજીના મંદિરે દર રવિવારે આવતા માતાજીના ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે.કાચથી મઢાયેલું માતાજીનું સુંદર સ્થાનક મન મોહી લે છે. જય હો... શ્રી કુવાસીના ટહુકાની માં સિકોતર....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ