આંબલીયારા પરગણા રબારી સમાજના પરિવાર દર્શન ગ્રંથનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિમોચન

 

આંબલીયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્વારા પરગણાના ૨૯ ગામોનો પરિચય કરાવતા પરિવાર દર્શન ગ્રંથનું રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર, દુધરેજના કોઠારી મુકુન્દરાયજી, ઝાક મંદિરના મહંતશ્રી ગણેશ દાસજી મહારાજ,તરભ વાળીનાથ મંદિરના મહંત શ્રી જયરામગીરી મહારાજ, પ્રેમધારા યોગાશ્રમ ચનવાડાના મહંત શ્રી માનસરોવરદાસજી, વડવાળા મંદિર ટીટોડાના મહંતશ્રી લખીરામ મહારાજ, રામજી મંદિર નાંણાના મહંત શ્રી જદુરામ બાપુ, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નાગજીભાઈ ભુવાજી સણાદર તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી કાળીબેન રબારીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા ખાતે લીંબજ માતાજી મંદિર પરિસરમાં પુસ્તક વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાયો હતો. આ પરિવાર દર્શન ગ્રંથમાં રબારી સમાજનો ઈતિહાસ, સંસ્કૃતિ મહિમા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ,ગુરૂગાદીઓ તેમજ આંબલીયારા પરગણાના તમામ ગામોની કૌટુંબિક માહિતી આવરી લેવા આવી છે. 


દુધરેજ વડવાળા મંદિરના કોઠારી શ્રી મુકુંદરાયજીએ જણાવ્યું કે આંબલીયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના શૈક્ષણિક આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અભિનંદનને પાત્ર છે. સમાજ ઉપયોગી પરિવાર દર્શન પુસ્તકથી સમાજમાં એકતા અખંડિતતા શૈક્ષણિક ઉત્કર્ષ યુવા પ્રોત્સાહન સાથે કન્યા કેળવણીનો વ્યાપ વધશે.
વાળીનાથ મંદિર તરભના મહંત શ્રી જયરામગીરી મહારાજે જણાવ્યું કે સમાજમાં શૈક્ષણિક ,આર્થિક તેમજ સામાજીક વિકાસ માટે મંડળ દ્વારા રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.જે ખરેખર સરાહનીય છે.

 
સમાજમાં શિક્ષણ વધે અને એમાંય ખાસ કન્યા કેળવણીનો વ્યાપ વધે,સમાજ કુરિવાજોને તિલાંજલિ આપે,સમૂહલગ્નો યોજાય જેથી સમાજ વ્યક્તિગત ખોટા ખર્ચાઓથી બચે અને એ નાણાં સમાજના શૈક્ષણિક કાર્યમાં વપરાય એવા ઉમદા હેતુથી આપે જે સત્કાર્ય આરંભ્યુ છે તે અભિનંદનીય છે.

 
ઝાક વડવાળા મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજે સમાજમાંથી કુરીવાજો નાબૂદ થાય, શિક્ષણની સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે આ પુસ્તકથી સમાજમાં એકતા વધુ સુદ્રઢ બનશે એવા આશીર્વાદ આપ્યા હતા

 
મહંતશ્રી માનસરોવરદાસજી મહારાજે જણાવ્યું કે આંબલિયારા પરગણાએ પરીવાર દર્શન પુસ્તક થકી સામાજિક એકતાના અનેરા દર્શન કરાવ્યા છે.પરગણાનું યુવાનો માટે શૈક્ષણિક સંકુલ બનાવવાનું સ્વપ્ન પણ ઝડપથી સાકાર થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. ખોબા જેવડું આંબલીયારા પરગણું દરિયા જેવડા વિશાળ કાર્ય , ધર્મ સમાજ અને શિક્ષણ ક્ષેત્રે અદકેરું કાર્ય કરી રહ્યું છે. સમાજમાં સદવિચારો - રીવાજોનું સ્થાપન અને કુરીવાજોનો, વ્યસનો અને રૂઢીઓનો ત્યાગ , સમૂહ લગ્નોત્સવ , શૈક્ષણિક , સામાજિક સેમિનાર જેવા ગંજાવર પરિશ્રમના પરિપાકરૂપે આપ સૌ એક છો એના દર્શન પરિવાર ગ્રંથના પ્રાગટ્યથી થઇ રહ્યા છે. પરિવાર દર્શન ગ્રંથ સમાજની દરેક કડીઓને જોડવાનું કામ કરશે એમાં બે મત નથી. 

  

 
વિકાસ મંડળ દ્વારા એક અતિ ઉત્તમ , સમાજને કાયમ પ્રેરણાદાયક બની રહે એવો પરિવાર દર્શન ગ્રંથના માધ્યમથી સમાજ એક બીજાની નજીક આવવા સાથે સામાજિક એકતા વધશે.
પ્રારંભમાં આંબલિયારા પરગણા રબારી સમાજ વિકાસ મંડળના પ્રમુખ રણછોડભાઈ દેસાઈએ સૌનો આવકાર કર્યો હતો.
વિરમભાઇ રબારીએ પુસ્તક પરિચય આપ્યો હતો. મહામંત્રી માલજીભાઈ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આભારવિધિ ઈશ્વરભાઈએ કરી હતી.
આ અવસરે સમાજના અગ્રણીઓ, મંડળના હોદ્દેદારો સહિત સમાજના યુવાનો હાજર રહ્યા હતા.










 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ