"૯૦ જેટલા ઘેટાં મરી જતાં ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો" મારી કારકીર્દીમાં મે પહેલીવાર આવો ગોઝારો અકસ્માત જોયો છે : ડો.આર.એન.સંતોકી


જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં રોજીયાગામે રવિવારે એક વિચિત્ર ઘટનામાં ઘેટાઓનું ટોળુ ચરીને સાંજે ૬ વાગ્યે પરત ગામ તરફ આવતું હતું.
ત્યારે સીમમાં અચાનક ધસી આવેલા રોઝડાના ટોળાની હડફેટે ઘેટા-બકરાઓ ચડી જતાં અઢીસો માંથી ૯૦ જેટલા ઘેટાં મરી જતાં ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો હતો અને ઘટનાની પગલે પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
રવિવારે ધ્રોલ તાલુકાના રોજીયાગામે સાંજે ૬ વાગ્યે લાખાણી ગામ બાજુ જવાના રસ્તે નહેર પાસે ઘેટાનું ટોળું ચરતા-ચરતા પહોંચ્યું ત્યારે અચાનક સામેથી ધસી આવેલા નીલ ગાયના ટોળાના ધસારાની હડફેટે આ ઘેટાઓનું ટોળું ચડી ગયું હતું. જેને કારણે એટલી અફડા-તફડી મચી ગઈ કે ગભરાયેલા બન્ને પ્રાણીઓના ટોળાએ કંઈ સમજ્યા વિના બચવા માટે ધસારો કર્યો હતો. જેના કારણે પરિસ્થિતિ ઉલ્ટી વણસી ગઈ હતી, અને જોત જોતામાં ૭૯ ઘેટા અને ૧૧ બકરા મૃત્યુ પામ્યા હતાં.
આ ઘટનાથી ગામ લોકો અને માલધારીઓ દોડી આવ્યા બાદ તુરંત ધ્રોલ તાલુકા મામલતદાર પ્રવિણભાઈ દવેને જાણ કરતા તેમણે પશુપાલન વિભાગના ડો.આર.એન.સંતોકીને જાણ કરતા તેઓ ધ્રોલથી જ સીધા રોજીયા ગામે પહોંચી ગયા હતાં. આ ઘટનાની સમીક્ષા કરી તેમણે સામાન્ય ઘાયલ ઘેટાં-બકરાઓને સામાન્ય સારવાર આપી હતી. બાદમાં આજ સવારે ત્રણ પશુઓનું પોસ્ટ મોર્ટમ પણ કર્યુ હતું.
આ ઘટનામાં ગામના જુદા-જુદા માલધારીઓના ઘેટાં અને બકરા મૃત્યુ પામ્યા હતાં. જેમાં હકા થોભણના ૧પ, પાંચાભાઈના ૧૦, રામા ગોબરના ૬, દેવા કરણાના પ, સામત જીવણના ૮, સામત વાલાના ૮, બચુ હાજીના ૧પ, મશરૃ લીંબડના પ, કારા ટપુના ૯, નાગજીભાઈના ૬, થોભણ ગોબરના ૩ સહિત સંખ્યાબંધ ઘેટા મૃત્યુ પામ્યા હતાં.
કારકીર્દીમાં પહેલીવાર આવું જોયું: ડો.સંતોકી
ધ્રોલ પશુપાલન વિભાગના વેટરનરી ડો.આર.એન.સંતોકીએ સોમવારે સવારે મૃત પશુઓમાંથી ત્રણના પોસ્ટ મોર્ટમ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે મારી કારકીર્દીમાં મે પહેલીવાર આવો ગોઝારો અકસ્માત જોયો છે. પ્રાણીઓની હડફેટે પ્રાણીઓ આવી જાય અને મરે તેવું જવલ્લે જ બને છે. આ ઘટનામાં ભોગ બનનાર ઘેટાં-બકરા બાહ્ય ઈજાથી મૃત્યુ પામ્યા નથી. પરંતુ મોટે ભાગે ધસારામાં દબાઈને, ગુંગળાઈને મૃત્યુ પામ્યા હોવાનું અમે પી.એમ. દરમ્યાન તારણ પર આવ્યા છીએ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ