ગીરમાં સિંહ અને માલધારીનો અનોખો સંબંધ...



૧૯૬૫માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એજ સાથે ૧૯૭૦ આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્યત્ર વસાવવાની હિલચાલ. રજવાડા અને અંગ્રેજોના શોખના ભોગ બની મુઠ્ઠીભર બચેલા સિંહ અને ગીરના સંવર્ધનના અનેક કારણો આગળ ધરવામાં આવ્યા અને ૧૯૭૫માં ગીરના એક ક્ષેત્રને નેશનલ પાર્કનો દરજ્જો આપવામાં આવતા જંગલખાતાનો જંગલપરનો અધિકાર વધુ બળવાન બન્યો.

નોંધવામાં આવ્યું છે કે એ સમયે ગીર ૫૦૦ જેટલા નેસડાઓથી ભરી-ભાદ્રી સમૃધ્ધ હતી. ‘નેસ’ એટલે ૫-૧૦ ખોરડાંઓ(ઝુંપડા)ના સમુહનો એક કબીલો. જેમાં ચારણ, આહીર, રબારી, કાઠી અને ભરવાડ જેવી માલધારી જ્ઞાતિઓના નેસ હતાં. આજે એમાંના કઇંક ૫૪ જેટલા બાકી રહ્યાએ ગીરમાં રહેવા માટે સરકાર અને વનખાતા સામે નિરંતર સંઘર્ષ કરી રહ્યાં છે.
નેસનું જીવન સમાન્ય શહેરી માણસને આશ્ચર્ય પમાડે એવું હોય છે. વિજળી – લાઇટ કે કોઇપણ પ્રકારની માળખાગત સુવિધા વિહોણા અને જંગલની મધ્યમાં લાકડીઓની આડશ (જેમાં બે લાકડી વચ્ચે આખો હાથ સોંસરવો નિકળે એટલી જગ્યા હોય) વડે બનેલી દિવાલો, છતમાં ઘાસ અને નાળીયેરીના તાલા નાંખેલ બારણાં વગરના ખોરડાંઓ ફરતે કાંટળી કાટ અને લાકડીઓ વડે બનાવેલી વાડ જેને ‘જોંક’ કહે, જ્યાં ઢોર રાખવામાં આવે. જંગલની પૃષ્ઠભૂમિ અને સિંહ-દિપડાના ઉલ્લેખોથી પરિચિત લોકોને કદાચ આ ‘બારણાં વગર’ના ખોરડાઓ વાંચતી વખતે લખાણમાં ક્ષતિ હોવાની શંકા પેઠી હશે. પણ સાચેજ નેસના ઘરોને બારણાં હોતા નથી. તેની દિવાલો પણ એ રીતની હોય છે કે સાંપ અને ઘો જેવા સરિસૃપો આરામથી અવર-જવર કરી શકે. જોંકમાં ઢોર ખુલ્લા રાખ્યા હોવા છતાં જવલ્લે જ સિંહ અંદર પડી ઢોરનું મારણ કરે છે. માલધારી તેના ઢોરના મારણના બદલે સરકાર દ્વારા અપાતા નજીવા વળતરમાં જીવ પણ નથી નાંખતો. એ પણ સમજે છે કે સાવજ જોંકમાં પડે નહીં, નક્કી બહુ ભુખ્યો હશે ઘણા દા’ડાનો, અને બીજું શિકાર કાંઇ મળ્યું નહીં હોય. વિશ્વમાં બીજે ક્યાંય પણ માણસ અને જંગલી પ્રાણી આટલા પ્રેમ અને એકબીજાના વિશ્વાસથી સહજીવન ગાળતા હોય એવી એકપણ વર્તમાન સભ્યતા મારી નોંઘમાં નથી.
જે નેસ બચ્યાં છે તેના માલધારીઓને સરકાર દ્વારા પાસ કાઢી આપવામાં આવ્યાં છે, જેમાં માલઢોરની સંખ્યા અને કુટુંબની વિગતો વિગેરે હોય છે. આ પાસ પર નિયમિત મસવાળી(એક પ્રકારનો વેરો) વસુલવામાં આવે છે. અને ત્રણ મહિના થી વધુ કોઇપણ માલધારી જંગલ બહાર રહે એટલે તેનો પાસ રદ કરી નાંખવામાં આવે છે.
હાલ સરકાર ગીરના માલધારીઓ બાબતે અવઢવમાં હોય એવું લાગી રહ્યું છે. એક તરફ બચ્યાં-કુચ્યાં નેસને પણ ગીરમાંથી બહાર ખસેડવા માટેની યોજના જાહેર કરાઇ છે જેમાં કુટુંબ દિઠ ૨૦ વિઘા જમીન અને ૧૦ લાખ રોકડા આપવામાં આવશે એવી વાત છે. પરંતુ અત્યાર સુધીમાં થયેલા સિંહ પરના રિસર્ચમાં એક વાત ચોખ્ખી બહાર આવી છે કે સિંહના કુલ ખોરાકનો ૩૫-૪૦% જેટલો ભાગ પાલતૂં ઢોર પર આધરીત છે. જો નેસ હટાવવામાં આવે તો સિંહ પણ માલધારીઓની સાથે જંગલની બહાર નિકળશે. અલબત નિકળવા લાગ્યાં છે.  માલધારીઓ નો વસવાટ સિંહ માટે ફાયદાકારક છે એવો ચોખ્ખો નિષ્કર્શ અભ્યાસમાં બહાર આવ્યો છે. સરકાર પણ સમયે સમયે સ્વીકારતી આવી જ છે કે માલધારી સમાજ એ ગીરનું અભિન્નિ અંગ છે. ૨૦૧૦માં સિંહના શિકારની ઘટનાઓ વખતે પણ માલધારીઓએ પ્રતિજ્ઞા કરેલી કે સિંહને નુક્સાનકર્તા કોઇપણ તત્વોને ગીરની ભૂમિ પર પગ નહીં માંડવા દઇએ.
ગીરનો માલધારી સંપુર્ણ શાકાહારી છે એટલે કે ખોરાક બાબતે તેની અને સિંહ વચ્ચે કોઇપણ જાતનો સંઘર્ષ થયો જ નથી. ઉપરાંત માલઢોર ચરાવવા તે દરરોજ સરેરાશ દશ થી પંદર કિ.મી. જંગલમાં ફરે છે. જેથી જંગલમાં જ્યાં વનખાતાની પેટ્રોલપાર્ટી પણ ના પોંહચી શકતી હોય એ જગ્યાના સમાચાર અને સિંહની માહિતી તેની પાસે હોય છે. જેમકે ક્યો સિંહ કઇ બીટમાં કેટલા દિવસથી છે? કયો સાવજ બિમાર છે? કયો ડાલા મથ્થો ઘાયલ છે? કયો ભડવીર ઘણા દિવસથી લાપતા છે? કયો બિમાર છે? કયું યુગલ ઘોરામાં(મેટીંગ) છે, કઇ સિંહણ સુવાવડી છે, કેટલા બચ્ચાં છે. વિગેરે વિગેરે જીણવટ ભરેલી માહિતી.
આવા બધા કારણોને લીધે જ્યારે ગીરમાં રિસર્ચવર્કની શરુઆત થઇ એ વખતે સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા આવેલા પોલ જોસલીને પોતાની સાથે એક ચારણ માલઘારી જીણા નાન ઠાકરીયાને પોતાની સાથે રાખેલા. લોકો કહે છે ઇ.સ. ૧૯૫૫-૬૦માં ગીરમાં એક ‘ટીલીયા’ નામના સિંહ નરની ગજબની બોલબાલ હતી. ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી નર માંથી એક આ ટિલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ના દે અને માત્ર ભેંસના પગ ઢસડાતા જમીન પર લીટા થતા જતા. આવી અદભૂત તાકાત ધરાવનાર નરની ભારત સરકારે ૧૯૬૦ની સાલમાં ટપાલટીકીટ પણ પ્રસિધ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત  હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇથી ખુબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સુતા હોય તો તેની પડખે આવીને સુઇ જાય. એક વખત બન્યું એવું કે બચ્ચુ ટીલીયો રમતો રમતો જીણાભાઇ સુતા હતા તેના પડખામાં ઘુસી ગયો. જીણાભાઇને ખ્યાલ નહીં અને બચ્ચુ તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યું (રાડો પાડવા લાગ્યું). ગંગા સફાળી બેઠી થઇ અને સિધો જ પંજો જીણાભાઇની છાતી પર રખ્યો અને ડારો કર્યો (ત્રાડ પાડી) . જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંઘ આંખે જ સહજતાથી કહ્યું, “એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…” અને ગંગાએ તરત જ પગ પાછો લઇ લીધો.
પોલ જોસલીનના ૯-૧૦ વર્ષના રિસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહીતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર-પંદર દિવસ આમજ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહીતી એકઠી કર્યા કરતા.
જોસલીનના રિસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે આ બકરું લઇને બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઇ માલધારી બકરું લઇ કલાકો સુધી સિંહ સામે બેઠા રહ્યા ત્યાં સુધી સાવજે હિમંત ન કરી પરંતુ જીણાભાઇ ને સ્હેટજ ઝોંકુ (ઊંઘ) આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાન એમ સેનું લેવા દ્યે! આ ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશ્યલી પબ્લિશ થયો. જીણાભાઇ જંગલમાં જતા ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.
ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સહસંબંધનના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રષ્યમાંથી બનેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ કે પછી તાજેતરમાં ધ્રૂવ ભટ્ટ દ્વારા લખાયેલી નવલકથા અને તેના પરથી બનેલું અદિતી દેસાઇ દિગ્ધદર્શિત અને આર.જે.દેવકી દ્વારા ભજવાયેલું નાટક ‘અકુપાર’. લોકસાહિત્યમાં પણ કવિ રાજભા ગઢવી જેવા અનેક કવિઓએ સિંહ-ગીર અને માલધારીના સગપણને ખુબ બિરદાવ્યો છે.
અહિંયા સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણા રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રિતસર શોક પાળે છે. હાલમાં ગીરના સિંહોના અમુક સમુહને મધ્યપ્રદેશ પુર્નઃવસન માટે ખસેડવાના આદેશ સામે ગુજરાત સરકાર દ્વારા સુપ્રિમકોર્ટમાં કરવામાં આવેલી પીટીશનમાં ગીરની પ્રજાને ‘સિંહ સહિષ્ણુ’ કહીને ટાંકી છે. ગીરની પ્રજા માટે આ શબ્દ ખરા અર્થમાં સત્યાર્થ શબ્દ છે… સિંહ સહિષ્ણુ…

હરીયાળી ગીર છે રૂડી, પવિતર પ્રેમ ઘેલુડી
રૂડીને રડીયામણી, હરીયાળી હેતાળ
ચારણ મારે ગૈર નથી છોડવી…
તારા પહૂડાને પાછા વાળ્ય…

Source : Divyaraj Gadhavi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ