170 વર્ષ પહેલા ગૌધણના રક્ષણ માટે રબારી વીરોએ આપ્યા હતા બલિદાન

ગૌધણના રક્ષણ માટે રબારી વીરોએ આપ્યા હતા બલિદાન

 


 
પથ્થર નહીં હું પાળિયો છું.
ગાયો વાળતો ગોવાળિયો છું.
ક્યાંક વધેરાયો વટને ખાતર.
ક્યાંક જાનુનો વળાવીયો છું.
ધ્રરીબ્રાંગ ધ્રરીબ્રાંગ બુંગીયોને,
તલવાર તણી હું તાળીયો છું.
એક વડ પાદરનો કુંકુવરણો,
ને ડૂસકાં ભરતી ડાળીયો છું.
બે ઘડી 'દેવ' થંભી જજો,
સિંદુરી શાળાનો નિશાળિયો છું.
એક સમયે કાઠિયાવાડની એવી પરિસ્થિતિ હતી કે વારેવારે મુઘલના કે સલ્તનતના ગાયકવાડી સૂબા લશ્કર લઈને ખંડણી ઉઘરાવવા ચડી આવતા અને પ્રદેશને આડેધડ ધમરોળતા જતા હતા એ સમયે કોઇપણ પ્રકારની સ્થિરતા કે સલામતી કાઠિયાવાડમાં હતી નહિ, બધા જ ઉચ્ચક જીવે જ જીવતા. ક્યારે ક્યાંથી અટાટની ઊતરી આવે એ કઇ નક્કી જ નહિ, ઘણીવાર તો માલિકને ખબર ન હોય અને ઊંધા માથે ફાટેલ લશ્કર ઘણો બધો દુરવ્યવહાર કરતું પણ ખરું કોઈ ગામો સળગાવવા, પાકને નુકસાન કરવું, પશુધન હાંકી જવું કે છોડી મૂકવું વગેરે વગેરે. આથી કાઠિયાવાડનાં કેટલાંય ગામડાઓ નાશ પામીને ટીંબા સ્વરૂપે થઇ ગયા હતા, આવી ભયંકરતાનો સામનો આ પ્રદેશની પાણિયાળી પ્રજાએ કરીને પોતાના જીવ, ઈતિહાસ અને સંસ્કૃતિ જાળવી રાખી હતી એ કઇ ઓછા ગૌરવની વાત નથી.
આજ તો કાઠિયાવાડના બે રબારી વીરોની અહીં વાત કરવી છે, રબારી એટલે ભોળાને પ્રકૃતિની નજીક રહેતા લોકો, રબારી એટલે સુંડલામાં ઘરવખરી ને ઊંટની માથે ઉચાળા લઈને એક કાળે ફરતી પ્રજા, માલને ચરિયાણ મળે ત્યાં જાયને કામચલાવ વસવાટ કરે, રબારી એટલે શ્રદ્ધાના બળથી જીવનારી પ્રજા. રબારી ઘીના છેલણ પીવે તો ભલભલા નવાઈ પામી જાય. અરે નાગ કરડ્યો હોય તો તેને મઢમાં લાવેને સરજુ લલકારે તો વગર દવાએ બચી જાય, દવા ડૉક્ટરની નહિ પણ મઢમાં જઈ દાણા નંખાવી રોગનું કારણ જાણે માતાજી આજ્ઞા કરે તોજ દવા કરે. તેવા વિજ્ઞાન શોધકોની અક્કલ કામ ન કરે તેવા પરિણામ આ શ્રદ્ધા લાવી શકે. રબારીઓ એવા શ્રદ્ધાવાન કે માતાજી ના સૌ ખાય તો મરી ને પણ આપેલું વચન પાડે. રબારીની પૂજા અર્ચના જોવો એટલે એમ થઇ જાય કે શ્રદ્ધા તો આને જ કહેવાય એવું કરે, ભૂવા આતાનું વેણ કદી ઉથાપે નહિ, વેણને વધાવામાં પૂરો વિશ્ર્વાસ, નાત પટેલના શબ્દ ઉપર ખીલો થઇ જાય. રબારણો ૨૦ કે ૨૨ વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે, કોઇપણ રબારણની આંખમાં વિકાર દેખાતો નથી બસ રબારણમાં નરી નિર્દોષતા જ હોય.
તેઓ શિકોતર, મેલડી, ચામુંડા, સધી, વહાણવટી, દિયોદરી, વિસોત, લિંબોજ, મોમાઈ, ચેહર, હડકાઈ, ખોડિયાર, તોતળ, સિંધવાઈ, વડેચી અને દગાઈને કાળકામાતાને પૂજે છે ને તેને માટે ગોગદેવ(નાગ) તો ખૂબ જ પૂજનીય આસ્થાનું સ્થાન ગણાય છે.
રબારીઓનો સૌથી મોટો ઉત્સવ એટલે પુંજ મહોત્સવ તેનો સીધો સાદો એવો અર્થ કરી શકાય કે જ્ઞાતિ મેળો. જે ઉત્સવ આસો મહિનામાં ઉજવાય છે, કાઠિયાવાડમાં ચોરવાડ, સીડોકર, લોએજ, બળેજ અને ઓડદરમાં મઢ છે અને ત્યાં આ પુંજ ઉજવાય છે. પુંજ ની આજ્ઞા માંગવા મઢમાં પાંચ છ જણ બેસે છે ભૂવા આતા, બ્રાહ્મણ, નાતનો પટેલ, ગામનો વેપારી, પીંછીધર અને પઢિયાર.
બરડાના ડુંગરના થડમાં એક ઘાટા જંગલની વચ્ચે એક સદાય આંખો ઠરે એવું લીલુછમ ગામડું છે કાટવાણા.
જયારે રાણા ખીમાજી પોરબંદરની ગાદીએ બેઠા ત્યારે રાજરીત ને રિવાજ મુજબ એમણે પોતાના લઘુબંધુ કુમાર ગગજીભીને કાટવાણા જીવાઈ પેટે લખી આપ્યું હતું એટલું જ નહિ કે ત્યાં જંગલ અને વિસ્તાર સારો છે તો ગાયોનું એક ધણ પણ આપ્યું કે એમને ત્યાં દુઝાણાની કોઈ તકલીફ નહીંને સાથે સાથે બે રબારી ગોવાળો પણ મોકલી આપ્યા કે જેથી કુમારને કોઈ ઉપાધિ જ નહિને કાટવાણામાં લીલાલહેરથી રહી શકે.
કાટવાણા જંગલની અડોઅડ આવેલું ગામ.એક કાળે ત્યાં સિંહોની ડણકો પણ સંભળાતીને દીપડાઓ તો પડ્યા પાથર્યા રહેતા હતા, આથી ગામ લોકોને એના ડર વચ્ચે જ રહેવાનું ને પશુધનને પાળવાનું રહેતું હતું.
આથી કાટવાણાની પાસે મેવાસાના જંગલમાં ગામે મળીને એક મોટો ઢોરવાડો બનાવેલો જેમાં મોટા વિસ્તારમાં પત્થરો ખડકીને ૫ થી ૬ ફુટ ઊંચી દીવાલ કરી લીધેલીને તેને નાનો ગઢ કહીને કે ગઢડો કહીને ઓળખતા હતા.
આ ઢોરવાડામાં કોઈ જનાવર કૂદી ન પડે ને એકાદ બે ગોવાળો હોય તો પણ હાકલા પડકારાને રીડિયા કરીને જનાવરને ભગાડી શકે. એક જ દરવાજો રાખેલ ત્યાંથી બધીય ગૌમાતાઓ દાખલ થાયને આ રબારી ગોવાળો એકએકને માથે હાથ ફેરવતા જાયને વ્હાલ કરતા જાય એ રીતે ગાય અને ગોવાળ વચ્ચે ઊંડો પ્રેમ અને લાગણી બંધાતી જાયને એ ગાયો જ ગોવાળ પર મરી ફીટે એવી ઓળઘોળ થઇ જાય.
આમાં એક દિવસ ગાયોના આ ગઢ પર દળકટક ત્રાટક્યુંને ગાયો ભાંભરડા નાંખતીને ઊભા પૂંછડાં કરતી વંડી ઠેકીને ભાગ્યું ને ગોવાળ પણ લાકડીઓ થી ઘા કરતા અને ગોફણો ફેંકતા ગાયો ને બચાવવા ભાગ્યા તો દળકટક તો ઘોડા ઉપર હતું. તો પણ કાળીયા ઠાકર ની સાથે મોટા થયેલાં આ માલધારીઓ નું ઉકળતું લોહી એમ કાંઈ જીવતા થોડાક ને જાવા દે. લડતાં લડતાં ગોવાળો ગાયોને મંડ્યા વાંભ કરવાને ગાયો સમજી ગઈ કે હવે આપણા ગોવાળનો જીવ જોખમમાં છે તો રણચંડીયું બની બધીય ગાયો પણ મંડી શિંગડાં ભરાવા અને આ ધમસાણમાં કેટલાય ને હડફેટે લઈ કચરી નાખ્યા.મંડી ઝાકાઝીક બોલવા વચ્ચે વચ્ચે ગાયો ફૂંફાડા મારતી જાય છે.
આ ગાયો ના ગોવાળો પણ ગાય માતા ના રક્ષણ માટે ગોફણ લાકડીદાવ અને કટારી થી અંતિમશ્વાસ સુધી લડ્યા અને ગાયો નું રક્ષણ કર્યું.
આજે પણ પોરબંદરની બાજુમાં નાગકા ગામની પશ્ર્ચિમે કાટવાણા ગામની ભાગોળે બે પાળિયાઓ ઊભા છે જે પાળિયાઓ છે, વીરા વાઘા રબારી અને વાશિયાંગ સાજણ રબારી.સમય પલટાયો,રાજાશાહી ગઈને કેટલીય સરકારો ગઈ પણ હજુ કાટવાણા ગામ લોકોની શ્રદ્ધા એવીને એવી આ વીરોમાં અકબંધ રહી છે ને કાયમ વરસે દાડે આ પાળિયાઓને છેલ્લાં ૧૬૦ થી ૧૭૦ વર્ષથી સિંદૂર, શ્રીફળ ને ચોખા જુવારવામાં આવે છે.
લોકકથાની વાતો - ડો.પ્રદ્યુમ્ન ખાચર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ