વાયરલ બોય નિર્મલ દેસાઈ મોટો થઇ કલેકટર બનવા માંગે છે.


  • નિર્મલ કહે છે કે હું પાટણની ગોપાલક સ્કૂલમાં આગળનો અભ્યાસ કરવા માંગુ છું.

 તાજેતરમાં એક-બે વિડીયો ખુબ જ વાયરલ થયા છે. જેમાં એક નાનકડો ટેણીયો પોલીસ ભરતી વિષે ખબ જ જુસ્સાભેર બોલી રહ્યો છે. પોલીસ ભરતીની તૈયારીઓ કરતા યુવાઓમાં જોશ અને જનૂનથી ભરેલા તેના વિડીયો ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. ખુબ જ ઓછા સમયમાં આ વીડિયોને લાખો-કરોડો લોકોએ જોયો છે અને "છોટા પેકેટ બાદ ધમાકા" એવો આ બાળક આજે ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.


બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છેવાડાના નાનકડા એવા જાબડીયા ગામના ગોકળભાઇ તેમજ વીણાબેનના ઘરે કાલોર શાખના રબારી પરિવારમાં જન્મેલા નિર્મલ દેસાઈની ઉંમર હજુ માત્ર ૧૩ વર્ષની છે પણ તેણે જીવનમાં સંઘર્ષ ઘણો કરી લીધો છે. આર્થિક રીતે બહુ જ સામાન્ય કહી શકાય તેવી ઘરની હાલત. પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ હોવાથી નિર્મલનો પરિવાર ખેતરમાં જ કાચા મકાનમાં રહે છે. નિર્મલ જયારે ખુબ જ નાનો હતો ત્યારે એકવાર બીમાર પડ્યો અને તે સાજો તો થયો પણ ત્યારબાદ પરિવારના ધ્યાનમાં આવ્યું કે તેની ઉંચાઈ વધવી જોઈએ તેટલી વધી રહી નથી. પરિવારે નસીબનો ખેલ સમજી બધું ભગવાન પર છોડ્યું. આજે નિર્મલ ની ઉંમર ૧૩ વર્ષ થઇ છે અને તેની ઊંચાઈ હજી ૩ ફુટ થી પણ ઓછી છે અને હવે વધારે વધી શકે એમ નથી. 


પણ કહે છે ને કુદરત તમારી પાસેથી કંઈક લઇ લે છે તો એના બદલે કંઈક આપે છે પણ ખરું, નિર્મલ જેમ જેમ મોટો થયો તેમ તેને બોલવાનું, વાતો કરવું, કોઈની સાથે ચર્ચા કરવી, પોતાનાથી મોટી ઉંમરના લોકો સાથે પણ ચર્ચાઓ કરવી, પ્રશ્નો કરવા વગેરેમાં તેને રસ પાડવા લાગ્યો. નિર્મલના માતા-પિતા પોતે ભણ્યા નહોતા પણ તેમને પોતાના સંતાનોને શિક્ષણથી વંચિત રહેવા દેવા માંગતા નથી. નિર્મલ કહેછે કે મારા મમ્મી-પપ્પા મને ખેતરનું કે ઘરનું કોઈ કામ કરવા દેતા નથી તેઓ કહે છે કે તમે ભણો અને ભણી-ગણીને મોટા સાહેબ બનજો.

  •  નિર્મલનો અવાજ અને તેની બોલવાની રીત તેને બધાથી અલગ તારવે છે.

હવે વાત કરીયે નિર્મલના વાયરલ વિડીયોની. નિર્મલના માતા વીણાબેનના માસીના દીકરા એટલે નિર્મલના મામા વિજયભાઈ દેસાઈ(ખરડોસણ) કે જેઓ હાલ તલાટી તરીકે ફરજ બજાવે છે. નિર્મલ એના વિજયમામાથી ઘણો પ્રભાવિત હતો. વિજયભાઈ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી પોલીસમા જોડાયા અને તેના પછી તલાટીની પરીક્ષા પાસ કરી હાલ પી.એસ.આઈ.ની પણ તૈયારીઓ કરી રહ્યા છે. નિર્મલ એક દિવસ તેના મમ્મી સાથે ખરડોસણ આવેલો હતો. ત્યારે વિજયભાઈની સાથે એણે પોલીસ ભરતી વિષે ચર્ચા કરવા માંડી અને વિજયભાઈના શબ્દોમાં કહીએ તો રીતસરના સલાહ-સૂચન આપવા લાગ્યો. નિર્મલનો અવાજ અને તેની બોલવાની રીત તેને બધાથી અલગ તારવે છે વિજયભાઈએ વિચાર્યો કે આનો એક વિડીયો બનાવું. તેમણે નિર્મલનો વિડીયો બનાવી વોસ્ટએપ સ્ટેટ્સમાં અને ગ્રુપમાં શેર કર્યો અને આ વિડીયો તો એકદમ જ વાયરલ થઇ ગયો. વિજયભાઈ કહે છે કે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ વિડીયો આટલો વાયરલ થશે. 


નિર્મલને તેને ભવિષ્યમાં શું બનવું છે તેવો સવાલ કરતા તેણે કહ્યું કે હું યુ.પી,એસ.સી. પરીક્ષા પાસ કરી કલેકટર બનવા માંગુ છું. એના માટે હાલ સંપૂર્ણ ધ્યાન ભણવામાં આપી રહ્યો છું. નિર્મલ હાલ તો પોતાની શાળામાં પણ એક સેલિબ્રિટી થઇ ગયો છે. નિર્મલ હાલ ધોરણ ૭માં ભણે છે અને તેના ગામમાં શાળા ધોરણ ૮ સુધીની જ છે તો એ ત્યારબાદ ક્યાં ભણવા જવા ઈચ્છે છે એવું પૂછતાં નિર્મલ કહે છે કે હું પાટણની ગોપાલક સ્કૂલમાં આગળનો અભ્યાસ કરવા માંગુ છું. નિર્મલને ભવિષ્યમાં પણ આવા મોટિવેશનલ વિડીયો બનાવવા છે અને તેના માટે એક "નિર્મલ દેસાઈ ઓફિસિયલ" નામની યુટ્યુબ ચેનલ પણ બનાવી દીધી છે.


આપણા રબારી સમાજના આ બાળકે નાની ઉમરમાં બીમારીને હરાવી, પોતાની ઓછી ઊંચાઈનો મજાક ઉડાવતા લોકોને સહન કર્યા છે, પોતાના માતા-પિતાને રોજના જીવનમાં સંઘર્ષ કરતા જોયા છે, છતાં તેમાંથી હતાશ થવાને બદલે નિર્મલ પોતે તો સકારાત્મક રહ્યો જ છે અને જેમ વિડીયોમાં આપ સૌએ જોયો તેમ રોજ પોતાના અભ્યાસમાં પણ ઉત્સાહ અને જોશથી ધ્યાન દોરી રહ્યો છે. નિર્મલ આજે સોશિયલ મીડિયામાં સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. જેના કારણે આગામી સમયમાં તેનું ભવિષ્ય ઉજળું બને તેના માટે તેના મામા અને પરિવારજનો પ્રયત્ન કરી રહ્યા છે. 

 

વિહોતર વોઇસ આપ સૌને વિનંતી કરી રહ્યું છે કે આપણા સમાજના આ તેજસ્વી બાળકને આપણાથી થઇ શકે એટલી મદદ કરીએ, પ્રોત્સાહન પૂરું પાડીયે. સમાજના શ્રેષ્ઠીઓમાંથી કોઈ જો તેના ભવિષ્યના અભ્યાસની જવાબદારી લઇ શકે, સમાજમાં યોજાતા સમારંભોમાં આવા તેજસ્વી યુવાનને આમંત્રણ આપી વક્તવ્યનો મોકો આપી શકીએ અને નિર્મલ જેવા અનેક તેજસ્વી બાળકો સમાજમાં છે જેમને યોગ્ય સહયોગની જરૂર છે આપણાથી થઇ શકતો સહયોગ તેમને કરીયે તો સમાજ આપનો સદા ઋણી રહેશે.

નિર્મળ દેસાઈની યુટ્યુબ ચેનલની લિંક અહીં આપેલી છે. 

👉 Nirmal Desai official 👈


આપની આસપાસ પણ કોઈ આવી સ્ટોરી છે તો વિહોતર વોઇસને જણાવવા વિનંતી..

આ પણ વાંચો...👇👇👇👇


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ