હદાબા ખાંભલ્યાએ જયારે એક બેનને ત્યાં મામેરાં ભર્યા, સુંદર પ્રસંગ

 વાવ ની બજાર માં હેકડાઠઠ ભીડ જામી છે. લગ્નગાળા નો સમય વૈશાખ મહિનો બેસવાની તૈયારી હતી વાવ ની આજુ બાજુ ના દોઢસો એક ગામ ની ખરીદી કરવા માટે નું સ્થળ એટલે વાવ ની બજાર આજુ બાજુ ના ગામો માંથી એ સમય માં એકાદ એસટી બસ આવે એટલે સવારે ૯ વાગ્યા થી લઇ ને સાંજ ના ૩ વાગ્યા સુધી કીડિયારું ઉભરાય એમ વાવ ની બજાર માનવ મેદની થી ઉભરાતી . એમાં એક કપડાં ના વેપારી વાણિયા ની દુકાન નું દૃશ્ય અને એમાં ઘટેલી ઘટના ની વાત છે


પંદર વિહ જેટલી બાઇયું નું ટોળુ વિવા ની ખરીદી કરવા આવેલું અને જાત જાત ના કાપડ ના તાકા શેઠ બતાવ્યે જાય છે અને બેનો એમાં થી પોતાના પહેરવેશ અને સમાજ માં વપરાતા કાપડ ને પસંદ કરી ને અલગ તારવવા જાય છે પણ ખૂણા માં એક બેન ની આંખ માંથી આંસુડાં ની ધાર વહે છે અને બાજુ માં બેસેલી ડોસી એને આશ્વાસન આપી ને છાની રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે એવા માં એક પાંહેઠ વરાહ ના દાદા પેઢીએ ચડ્યા ચાંદીના પતરા જેવી સફેદ દાઢી , બંને કાંને ઠાસિયા ( અમારા વિસ્તાર માં પહેલા મોભાદાર ઘરના પુરુષો ને કાન માં પહેરવાનું એક ઘરેણુ) પહેરેલા માથા ઉપર આંટીયાળી પાઘડી હાથ માં પીત્તળ ની કુંડળી વાળી અને અને ચાપટા થી સુશોભિત કરેલ લાકડી પગ માં અસ્સલ થરાદરી કાંઠરખા મજબૂત બાંધો ભરાવદાર વાંકડી મૂછો આંખ માં સોયરો આંજેલો આવા પડછંદ દેહ ધરાવતા બાપા એ સેઠ ને હામે હાકલ કરી કે શેઠ મારા ગામ ના ફલાણા ભાઇ આવતી કાલે તમારી પેઢીએ આવશે એણે એની દીકરી નો વિવા આદર્યો છે ભાઇ ગરીબ ઘરનો છે એની પાહે અત્યારે સગવડ ઓછી છે થોડું ઘણું ઉધાર કયે તો દેજો ઈ આપી દેશે અને નહિ આપે તો હું આપી દઈશ પણ એને પૂછતાં નહિ કે ક્યારે આપશો બસ આટલી ભલામણ કરવા આવ્યો હતો .શેઠ બોલ્યા બાપા તમે કીધું એટલે આવી ગયું બધું હવે કેવું ના પડે . બેશો ઘડીક હોટલે થી ચા માંગવું પી ને જાઓ પણ દાદા કયે હમણા ઉતાવળ માં છું પછી કોઈક દી પી લઈશ . એમ કહી ને દાદા હજુ તો પાછા ફરવા જાય ત્યાં નજર એ રોતી બાઈ માથે પડી બાપા થંભી ગયા . કઈક અજુગતું દેખાણું હોય એમ પૂછ્યું દીકરી શુકામ આહુડા પાડે છે . કઈ અણબનાવ બન્યો છે ? બાજુ માંથી ડોશી બોલ્યા એવું કંઈ નથી પણ એને વહમુ લાગે છે કે એની દીકરી ના વિવા નો સમાન વોરવા આવ્યા છીએ અને.... એમ કહી ને ડોસીમાં અટકી ગયા .. બાપાએ અધીરા થઈ ને પૂછું અને શું ? ત્યાં ડોશીમા બોલ્યા એના પિયર માં કોઈ નથી નમાવતરી અને નભાઈ છે . એટલે જ્યારે માયારું ભરાશે ત્યારે મામેરા વિના કેવું વહમુ લાગશે આમ વિચારી વિચારી ને રોયા કરે છે.. બાપા બોલ્યા બસ આટલી વાત એમ કહી ને બોલ્યા. દીકરી આજ થી હું તારો બાપ છું . અને મામેરું હું લઈ ને આવીશ તારું ગામ ક્યું ? ગામ નું નામ ઠામ પૂછી ને બાપા નીકળી ગયા અંદર બેસેલી આખી ભીડ માં સન્નાટો છવાઈ ગયો . બધા એક બીજા સામે જોઈ રહ્યા એમાંથી કોઈક કહે સારું લગાડવા ડોહો બોલી ગયા છે ... અને સહું પોતાના કામ માં લાગી ગયા.

170 વર્ષ પહેલા ગૌધણના રક્ષણ માટે રબારી વીરોએ આપ્યા હતા બલિદાન


સમય જતાં વાર નથી લાગતી એ બાઈ ની દીકરી ના લગન લખ્યા બાઈ ને મન માં રોજ ગડમથલ ચાલે કે શું એ ડોકરો કહી ગયા છે તો સાચે આવશે ? વિશ્વાસ બંધાય પણ વળી પછી કોઈ કહે છે આપણે ડોહા નું નામ ઠામ કે સરનામું ક્યાં લીધું છે . અને દિલાસો તો આપવો પડે એટલે ડોકરો પણ દિલાસો આપ્યો છે આવી વાત સાંભળે એટલે વળી બાઈ ના મન નો ભ્રમ દૂર થાય અને પોતાના ભાગ્ય માં છે એ સ્વીકારી ને જીવવાનું છે એમ માની લે . આમ તો એ સમય માં જાન આવે એના પહેલા મામેરું આવી જતું અને વરરાજા ને (ચલાવું) દૂધ પાવા માટે મામા જતા આજે પણ અમુક સમાજો માં આ રિવાજ ચાલું છે . સાંજ પડવા આવી ગામ ની સીમ માં થી ઢોર ઢાંખર ગામ સામે વળ્યા ક્યાંક ક્યાંક ઢોર બાંધવાના વાડા માંથી બોઘરણા નો અવાજ તો ક્યાંક વાછરડા ભંભરતા હોય એના સુર અને એક બાજુ રામજી મંદિર ની આરતી ની ઝાલર વાગતી હતી અને ધોરીડા બળદ માથે રંગ બેરંગી ઝુલું નાખેલી અને ગળા માં ઘંટડી પગ માં ઘુઘરમાળ એવા બળદ શણગારેલા અને જાનું આવી પહોંચી . પણ ઇ બાઈ ને હજુ હૈયા માં હામ હતી કે કદાચ એ ડોકરો સાચું કહી ગયા હોય ને આવી જાય તો ? બસ આવી ગડમથલ માં બાઈ ભાન ભૂલી થઈ ને ફર્યા કરે છે . રાત પડવા આવી કોઈ ના આવ્યું પણ અડધિક રાત નો મજર ભાંગ્યો હસે એવા માં ગામ માં બે ગાડા દાખલ થયા અને ગામ ની ભાગળ માં બે ચોકિયત પહેરો દેતા હતા ( ઈ સમય માં વિવાગાળા ના સમયે ચોર લૂંટારા ગામ માં આવે નહિ એટલે ચોકિયત મૂકતાં ) ચોકિયત ને પૂછ્યું ફલાણા ભાઇ નું ઘર ક્યાં છે ?ચોકિયતે ખાતરી કરી ગાડા ને જોઈ ને પછી મારગ દેખાડ્યો . ગાડાં સીધા બાઈ ની ડેલીએ આવી ને ઉભા રહ્યા . અને હાકલ કરી છે કોઈ ઘરમાં ? ત્યાં તો બાઈ સાદ ઓળખી ગઈ કે લાગે છે કે મારો માનેલ બાપ ડેલીએ થી મને સાદ પાડે છે અને ડેલી સામે ડોટ મૂકી ડેલી ખોલી તો સામે ઇજ પાઘડીદાર બાપા મલકી ને બોલ્યા દીકરી મોડું થઈ ગયું મને માફ કરજે . હું વાયદો ચૂકી ગયો ત્યાં તો .. જેમ વિદાય વેળાએ બાપ ને બાથ ભીડી લે એમ દીકરીએ બાપ ને બાથ ભીડી ને રોવા લાગી ના બાપ હજુ તો ક્યાં મોડું થયું છે તમે વેળાસર જ છો . અને દીકરી રોતી જાય છે .. દીકરી ના આવા મીઠા વેણ સાંભળી ને હરખ માં બાપા ની આંખ ના ખૂણા પણ ભીના થઇ ગયા . પણ બાઈ ને જાણે આજે પાંખો લાગી ગઈ હોય અને દુનિયા નું બધીજ સંપતિ પોતાને મળી ગઈ હોય એટલો આનંદ એના ચહેરા પર છલકાઈ આવતો હતો. સહું કોઈ ને મન માં થયું કે ડોહો તો કીધા પછી આવી પણ ગયા . ગાડા બાજુ ની ગરથાર માં છોડ્યા . અને વાળું પાણી કરી ને બાપા ને આરામ કરવા કહ્યું .. સહું કોઈ થાક્યા પાક્યા સુઈ ગયા સવારે માયરું ભરાણું અને બાપાએ મામેરા ની ઢાલ ભરી અને દીકરી ની આંતરડી ઠારી... કોઈ જાત ની ઓળખાણ નહિ કોઈ પ્રકાર નો સબંધ નહિ એતો છોડો પણ બીજા સમાજ ની દીકરી હોવા છતાં પણ એ દયાળુ માનવીએ કોઈ દીકરી ના અસુડા ની વેદના પારખી લીધી અને ભગવાને આપ્યું છે એમાંથી સારા કાર્ય માં વાપરવાની ભાવના થી આવા કાર્યો કરવા વાળા લોકો ને વંદન છે ... આવી હતી આપણી સંસ્કૃતિ આવા હતા જીવન ના મૂલ્યો
આ વાર્તા માં જે બાપા નું પાત્ર છે તે પાડણ ગામ ના રબારી હદાબા ખાંભલ્યા છે અને એમની પેઢી અત્યારે પાડણ માં વશે છે.
આ ઘટના આપડા વિસ્તાર માં ઘટી છે આ લખવા પાછળ નો મારો હેતુ ફક્ત એટલો છે કે આવનાર પેઢી આપણા સમાજ માં બનેલી આવી સારી ઘટનાઓ વાર્તાઓ સાંભળે વાંચે અને આપણા સમાજ માં ભાઈચારો હતો જીવન ના જીવવાના મૂલ્યો અને સાદગી હતી કદાચ આર્થિક રીતે ગરીબી હશે પણ માનસિક રીતે આપણે બહુ ભાગશાળી( અમીર ) હતા. અત્યારે જાતિવાદ ના સમાજ બહુ ફંટાઈ રહ્યો છે . સબંધો અને જીવન ના મૂલ્યો ભૂલતા જાય છે નવી પેઢી ને સારા સંસ્કારો આપવાની જવાબદારી આપણી છે એવું સમજી ને આવા કિસ્સાઓ પોતાના સંતાનો ને કહો તો ચોક્કસ બદલાવ આવશે

રેતશિલ્પ બનાવીને આગવી ઓળખ ઉભી કરનાર નાથુભાઈ ગલચર(રબારી)



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ